*"સ્પેકટ્રોમીટર"-* રવિપૂતિઁ ✒લેખક: *જય વસાવડા*

*"સ્પેકટ્રોમીટર"-* રવિપૂતિઁ
✒લેખક: *જય વસાવડા*

*મિત્રતાની વિચિત્રતા*

*ડિજીટલયુગની ડિસ્પોઝેબલ   ફ્રેન્ડશિપ!*
              ******
*ઈગોને લેટ ગો ન કહો ત્યાં સુધી કોઈ સંબંધ શાશ્વત રહેતો નથી. પણ 'દુશ્મન ન કરે, દોસ્ત ને વો કામ કિયા હૈ'વાળી સિચ્યુએશન બાબતે ૨૧મી સદીમાં એલર્ટ રહેવા જેવું છે*
              ******
*જે 'ફીલ' કરે એ જ મિત્ર સાથે 'મહેફિલ' કરી શકાય! કોઈ વાત કરવાવાળું, કોઈ આધાર આપવાવાળું, કોઈ સંગાથે મોજમસ્તી કરવાવાળું જોઈએ એ મિત્રતાની વ્યાખ્યા સનાતન છે પણ  સંજોગો બદલાઈ રહ્યાં છે!*

૧૯ ૮૫માં હજુ દુનિયા સ્માર્ટફોન અને સેટેલાઈટ ચેનલના વિશ્વમાં નહોતી ત્યારે આજે ય જુઓ તો તરોતાજા લાગે, એવું અમેરિકન ટીન મૂવી આવેલું ઃ ફેરિસ બુલર્સ ડે ઓફ.
એક પ્રમાણમાં સાધનસંપન્ન કુટુંબનો, સ્નેહાળ પણ વ્યસ્ત મા-બાપ અને યુવાન બહેન ધરાવતો ટીનએજર છે, ફેરિસ બુલર. થોડો ટીખળી, થોડો સ્માર્ટ. આમ ટેકનોક્રેટ જેવો ભેજાંબાજ છે. પણ (કદાચ એટલે જ) ક્લાસરૃમ એને બોરિંગ લાગે છે. એ કહે છે ઃ આજે યુરોપિયન સોશ્યાલિઝમની ટેસ્ટ છે. પણ હું યુરોપિયન નથી. યુરોપ જવાનો નથી. તો પછી અહીં ભોજીયા ભાઈને ય શા માટે ફિકર હોવી જોઈએ યુરોપમાં સોશ્યાલિઝમ છે કે નહિ? ત્યાં અરાજકતાવાદી ફાસિઝમ હોય તો ય એનાથી મારી પાસે કાર નથી, એ સત્ય બદલાતું નથી!

તો આવા આપણા આ ફેરિસકુમાર એની શરારતોથી હાઈસ્કૂલમાં પોપ્યુલર છે. એના કોન્ફિડન્સ પર કન્યાઓ ઓવારી જાય છે. ને એટલે જ પ્રિન્સિપાલને એ આંખમાં કણાની જેમ ખટકે છે. એક દહાડે ફેરિસ જસ્ટ એમ જ નક્કી કરે છે કે આજે ભણવા નથી જવું, પણ ઘરમાં પડયા રહેવું છે એમ પણ નહિ. બસ, દોસ્તો સાથે કોઈને કહ્યા વગર રખડપટ્ટી કરવી છે. તાવનું બહાનું બતાવી ઘેર રોકાય છે. નાટક કરી સ્કૂલમાંથી એની ફ્રેન્ડને બોલાવે છે અને એક એનાથી જૂદા થોડાક શરમાળ-શાંત દોસ્તને ય આગ્રહ કરીને, એના જ બાપુજીએ દીકરા કરતાં વધુ ધ્યાનથી સાચવેલી ફરારી કારમાં ટોળી નગરચર્યા કરવા નીકળે છે.


ફિલ્મમાં ઘણી મસ્ત કોમિક સિચ્યુએશન્સ છે. પણ આખો એક દિવસ ત્રણે દોસ્તો કેવો પસાર કરે છે, એ એની પેરેલલ ઝાઝા ડાયલોગ્સ વિના દેખાડયું છે. લોંગ ડ્રાઈવ કરે છે. સ્પોર્ટસ મેચ જોવા જાય છે. ટ્રિક કરીને મોંઘીદાટ હોટલમાં ઠાઠથી જમવા જાય છે. સ્ટ્રીટ પરેડમાં ડાન્સ એન્ડ મ્યુઝિક માણે છે. આર્ટ મ્યુઝિયમમાં જઈ વિખ્યાત ચિત્રો જોવાની કોશિશ કરે છે. ગપ્પા મારે છે, સ્વીમિંગ પૂલમાં ધુબાકા મારે છે. પ્રિન્સિપાલથી છટકવા એક્સાઈટિંગ દોડાદોડી કરે છે. મિત્રને ઠપકાથી બચાવવા આઇડિયાઝ વિચારે છે. આખો દિવસ ભણતર વિના આમ ધમાલમસ્તીમાં નીકળી જાય છે. યારો કે સંગ... કભી ના બીતે ચમકીલે દિનની માફક!

અને ફિલ્માંતે ફેરિસ કેમેરા સામે જોઈ આપણી સાથે સંવાદ કરે છે, કોઈ લાંબોલચ ઉપદેશ નહિ. અગાઉ શરમાળ મિત્રને ખુદના માટે એને ફર્નિચર સમજતા ફેમિલી સામે અડીખમ ઉભવા કહી ચૂક્યો છે. ગર્લફ્રેન્ડના દિલમાં પ્યારના એકરારના અંકુર ખીલવી ચૂક્યો છે. ભણેશરી ટાઈપ સિસ્ટરને જરા વૉટરટાઈટ વ્યાખ્યાઓની બહાર જીવવાના પાઠ જુદી રીતે જડી ચૂક્યો છે. પણ આ તો એક સિમ્પલ સિંગલ સેન્ટેન્સ છે, આખી હળવી ફિલ્મને વજન આપતું ઃ
''જીંદગી બહુ ઝડપથી ભાગે છે. જો તમે વચ્ચે ક્યાંક રોકાઈને જરાક આસપાસ જોવા માણવાનો ચાન્સ ચોરી લેતા નથી તો પછી એ કાયમ માટે (મોટા થવાની ભાગદોડમાં, સંસારની જંજાળમાં) ગુમાવી દેશો!''
યસ, વન્સ ઈન એ વ્હાઈલ ટેઇક એ બ્રેક વિથ ફ્રેન્ડસ. સ્પેશ્યલી ઓલ્ડ ફ્રેન્ડસ. મોર સ્પેશ્યલી, વ્હેન યંગ. આ મસ્તીભરી મિન્ટી મોમેન્ટ્સ જ સેન્ટી મેમરીઝ બનવાની છે. કલ હમ કહાં, તુમ કહાં? ક્યારેક માર્કશીટના ગુણ કરતાં વધુ 'અવગુણ' દોસ્તારોની સંગતમાં મળ્યા હશે. પડવા આખડવાના, વલ્ગર જોક ક્રેક કરીને ગાળોના વેરિએશન્સ શીખવાના, સોલ્જરીમાં પૈસા ભેગા કરીને 'નળિયા ગણવાના', ખેતરે હાજતે જતી વખતે ડબલાં લઈ કંપની દેવાના, કોઈ રેશમી રોમાંચના કૂતુહલમાં વધી ગયેલા ધબકારા ઠારતી કંપનીમાં, શેતાની શરારતમાં તોફાની કંપનીમાં, કાદવમાં રગદોળાવાના અને સીટીઓ મારતા શીખવાના એ દિવસો, 'નળિયા ગણતા ગણતા' સખીસખાના ખભે માથું ઢાળીને ઠાલવેલી એ વાતો! આહ! દિલ ચાહતા હૈ, હમ ના રહે કભી યારોં કે બિન.

પણ જેમ ઉંમર વધે છે, એમ ઉલઝન વધે છે. પછી 'ધ ફ્રેન્ડ' પર 'ધ એન્ડ' પણ આવી શકે છે. ઈનફેક્ટ, આજના ડીજીટલયુગમાં સર્વાધિક ઝડપે જૂની ફ્રેન્ડશિપ તૂટી રહી છે, એવું સોશ્યલ મીડિયા સર્વેક્ષણો કહે છે! યાદ કરેગી દુનિયા તેરામેરા યારાનાની ફિલ્મોની પટ્ટી જેમ ઓનલાઈન સ્ટ્રીમિંગમાં આઉટડેટેડ થઈ, એમ જ ફ્રેન્ડશિપ પણ ટરબ્યુલન્સમાં ગોથાં ખાતી નાવડી બનતી જાય છે!
 
એપિડેમિયોલોજીસ્ટ ડેવિડ બ્રેડલીએ એકવાર પોતાની જ અલગ અલગ પેઢીઓનો 'લાઈફટાઈમ ટ્રેક' ચેક કર્યો. આ લાઇફટાઈમ ટ્રેક મૂળ ઝૂઓલોજી/પ્રાણીશાસ્ત્રનો સબ્જેક્ટ છે. જીવનકાળમાં એક પ્રાણી કેટલા વિસ્તારમાં વિહરે છે, એનો અંદાજ. બ્રેડલીએ નોંધ્યું કે એના પરદાદા (પ્રસંગોપાત પ્રવાસો બાદ કરતા) ૪૦ કિમી.ના એરિયામાં જીવ્યા. મતલબ લાઇફટાઈમ ટ્રેક એક નગર પૂરતો, મહોલ્લા પૂરતો જ એમનો રહ્યો. એના દાદા માટે એ ૪૦૦ ચોરસ કિમી.નો વધીને થયો. પિતા માટે ૪,૦૦૦ ચો. કિમી.નો અને એનો ખુદનો ૪૦,૦૦૦ સ્કવેર કિમી!

ડેડલી ઈન્ટરેસ્ટિંગ! મતલબ, રિલેશનશિપ માટેનો ટાઈમ ઘટતો જાય છે! ઉંમર વધે એ તો બૂઢાપાની. જવાનીના તો વર્ષો ય ક્યાં વધે છે! અને એજેન્ડા એમાં એટલા વધી પડે છે, જે ફ્રેન્ડશિપની આડે આવે છે. દેખીતું કારણ છે. આમ યારીદોસ્તીનો મહિમા બહુ. પણ પ્રેક્ટિકલી જુઓ તો ભોગ લેવાની વાત આવે, એમાં કેઝ્યુઅલી ફીટ થવાનો પહેલો વારો ફ્રેન્ડશિપનો આવે. બીજા શબ્દોમાં પ્રાયોરિટીમાં એ છેલ્લે આવે! માણસ સ્પાઉઝ યાને જીવનસાથી, અને મા-બાપ સંતાનો ઉર્ફે ફેમિલીને જ અગ્રતાક્રમે રાખે. પછી કામ, વર્ક, જોબ, પ્રોફેશન, કારકિર્દી. એના સંબંધો બોસ વગેરે. પછી સમય ને ધ્યાન મિત્રતા માટે. આવું કદાચ પહેલા નહોતું, પણ હવે વધે છે. મેરેજમાં વર-કન્યા બેઉ જીદ કરીને, યાદ રાખીને સગાંઓની ઉપરવટ પોતાના ફ્રેન્ડસને તેડાવે. પણ પછી સમય જતા એ જ દાંપત્યને લીધે મોટા ભાગના યુવા સંબંધોની ઊષ્માનું બાષ્પીભવન થઈ જાય!

લોકોનો સ્ટ્રેસ વધતો જાય છે. પ્રોસેસ કરી શકે એનાથી વધુ માહિતી રોજ મોબાઈલમાં-ટીવીમાં ઠલવાય છે. માણી શકે એથી વધુ મનોરંજનનો મહાસાગર હિલોળા લે છે. આંબી શકે એથી વધુ સપના હાથવગા લાગે છે. આ પ્રેશરમાં દિમાગ ઠેકાણે રહેતું નથી. ઝટ મેળવી લેવાની અપેક્ષા આડે જે કોઈ આવે એ દુશ્મન જ લાગે છે. ગમતા ફિલ્મસ્ટાર કે પોલિટિક્સની બાબતમાં કાયમી દુશ્મનાવટ વહોરી લેતા મિત્રો છે, જે વૉટ્સએપ ગુ્રપ કે ફેસબૂક-ટ્વીટર પર બાખડી પડે છે. જ્યારે શાહરૃખ-સલમાન કે મોદી-રાહુલ તો સમય મુજબ બથોડા લેતા હોય છે!

એકચ્યુઅલી કોર્પોરેટ મેન્ટાલિટી હવે ઘર સુધી, દિલ સુધી આવી ગઈ છે. બર્ગરની જેમ બડીઝની શેલ્ફ લાઇફ હોય છે. તમામ અપેક્ષાઓ પૂરી થાય, કે હવે કોઈ અપેક્ષા પૂરી નહિ થાય એનું રિયલાઇઝેશન થાય એટલે યુઝ એન્ડ થ્રો! પ્લેઝર માટે હોય એ યારીદોસ્તી. એમાં પ્રોફિટ મિક્સ થયા પછી પ્રોફિટ મળે ન મળે, વહેલો મોડો પ્લેઝરનો ભોગ મ્યુચ્યુઅલ મેચ્યોરિટી વિના લેવાઈ જાય! ઇન શોર્ટ, સ્વાર્થ વધતાં સંબંધના બંધન ઢીલા પડયા છે.

બીજું પરિબળ છે, ડિજીટલયુગ. જે સમય ભાઈબંધો કે બહેનપણીઓ માટે હતો, એ ટીવી, ફિલ્મો, યુટયુબ વિડિયોઝ, વૉટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, સ્નેપચેપ, વગેરેમાં ઈન્વેસ્ટ થવા લાગ્યો છે. એમાં ઈન્સ્ટંટ કિક મળે છે. ઈન્સ્ટંટ ફીડબેક પણ મળે છે. ક્લોઝ ફ્રેન્ડસ જૂના હશે આદતવશ બધું કેઝ્યુઅલી લેવા લાગે. પણ એમને અહેસાસ નથી થતો કે એમને રિપ્લેસ કરવા ડિજીટલ ફ્રેન્ડસ આવી ગયા છે. દાખલા તરીકે, તમારા જૂના દોસ્તને તમે હોંશે હોંશે એક ફોટો બતાવ્યો તમારી ટ્રિપનો. એ મોટે ભાગે એને હસી કાઢશે. શું આવા જોકર જેવા ફોટા પાડે છે કે ભાઈ અમે ફ્રેન્ડ છીએ, ફેન નહિ કે હવે રાખ એ બધું બાજુમાં એવા રિસ્પોન્સ આપશે. કર્ટસીથી વખાણ કરશે તો ય પરાણે. એક્ટિવ ઈન્ટરેસ્ટ નહિ. આવું એક વાર થાય તો અસર ન થાય, પણ વારંવાર થાય તો અવળચંડા મર્કટ મનને એવું લાગે કે આથી વધુ સારા તો હું મળ્યો નથી, એવા ઓનલાઈન મિત્રો છે. જે વાહવાહી કરે છે, નિયમિત પ્રતિસાદ આપે છે. રસ લઈ કોમેન્ટ્સ કરે છે. એ મિત્રોની લાઇફમાં ય જોકે, આ જ સાયકલ ચાલતી હશે!

ડિજીટલયુગમાં માણસને તલપ છે લાઈફની બધી મોમેન્ટ્સ કેપ્ચર અને શેર કરવાની. પણ એની એક સાઇકિક સાઈડ ઈફેક્ટ અમુક જૂના સંબંધો પર આવી શકે છે. ખાસ કરીને એક જમાનામાં સરખા લેવલ પર રહ્યા હોય એવા મિત્રોમાંના અમુક એને લીધે મનોમન દુઃખી થાય. પણ બોલી ન શકે! તમારા પ્રવાસો અને પ્રગતિના પગથિયાં એમના માટે ખુદની નિષ્ફળતાના અરીસા બનતા જાય! પછી એ મિત્રતાના મિલ્કમાં મેનિપ્યુલેશન કે જેલસીનું મેળવણ પડી જાય. દૂધનું દહીં થઈ ગયા પછી દુર્ભાગ્યે દહીંનું ફરી દૂધ થઈ શકતું નથી! ઓસ્કાર વાઈલ્ડ એટલે જ કહી ગયા કે તમારા દુઃખમાં સાથ આપવા માટે નહિ, પણ સુખમાં સાથ આપવા માટે મિત્રતાની સાચી કસોટી થાય. મુન્નાભાઈઓના સર્કિટ થવું બધાને અંદરખાનેથી ગમે નહિ!
વાઈલ્ડનું તો તોફાની ક્વૉટ એવું ય હતું કે ઃ સાચો મિત્ર એ જે તમને છાતીમાં છરી મારે! મતલબ, કોઈને કોઈ દિવસ મિત્રતાનો અંત આવતો જ હોય છે. ને મોટે ભાગે દરેક જુલિયસ સીઝરે પીઠમાં બુ્રટ્સની છરી ખાવી પડે છે! ઈન્ટરેસ્ટિંગલી, પાઉલો કોએલ્હોએ એમની નવલકથા 'ધ ઝહીર'માં આ જ કરમકઠણાઈ જુદા

 શબ્દોમાં લખી છે ''સાચા મિત્રો આપણી પ્રગતિમાં દિલથી સજીવ થઈને ચીઅરલીડર બની શકે, એ હોય છે. તકલાદી મિત્રો ખરાબ સમયમાં પ્રગટ થાય ત્યારે છેતરાવા જેવું નથી. એ સોગિયાં ડાચાં લઈ સપોર્ટની ઓફર કરવા એટલે ય આવ્યા હોય કે તમારા પતનથી મનોમન રાજી થયા હોય. તમે ય એના લેવલમાં આવી ગયા ખાનાખરાબીના, એવું એમને થતું હોય!''
 
'ડન્બાર નંબર'ની થિઅરી વિશે વર્ષો પહેલાં લખેલું. કોઈ એક માણસ આખી જીંદગીમાં પરીચિત જેવા મિત્રો મેક્ઝીમમ ૧૫૦ બનાવી શકે અને એમાંથી માંડ ૧૦% નિકટ સ્વજન હોય. આ સાયન્સ છે, કેવળ સાયકોલોજી નથી. નોર્મલ મનુષ્ય જીવનમાં ૧૫૦૦ ચહેરા અને ૫૦૦ નામો યાદ રાખી શકતો હોય છે. જ્યારે સોશ્યલ નેટવર્ક પર હજારોનો ઈઝી એક્સેસ હોય છે. એમાં એક સાપેક્ષવાદ જેવું કન્ફ્યુઝન પેદા થાય છે. અચાનક તમે એક મિત્રને મળી જાવ છો, જે માનો કે પંદર-વીસ-ત્રીસ વર્ષ પહેલા મિત્ર હોય. કોઈને કોઈ કારણથી. પાડોશી હોય, સાથે રમ્યા હોય, રૃમ કે અપ-ડાઉનની જર્ની શેર કરી હોય, ભણ્યા હોય, પરીક્ષામાં બાજુમાં નંબર આવ્યો હોય... વૉટએવર. પછી એ ફ્રેન્ડશિપ ટાઈમ આઉટ થતા ડેડ થઈ ગઈ હોય કે ફ્રીઝ થઈ હોય. કોઈનો વાંક ન હોય, પણ સંપર્ક બંધ થયો હોય ને રસ્તા કુદરતી 'ગ્રોથ'માં બદલાયા હોય.

હવે અચાનક એનો ભેટો વૉટ્સએપ-એફબી ગુ્રપમાં થઈ જાય ત્યારે બે શક્યતા બને. બેઉ પક્ષે સમાન ઉમળકો હોય તો મૈત્રી ફરી મહોરી ઉઠે. હા, સમય નીકળવો જોઈએ એ મૂરઝાયેલા છોડને પાણી પાવા. અથવા હવે લાઇફના ભરાયેલા ખાતામાં નવા આત્મીય સંબંધની જગ્યા ન રહી હોય. પછી નાટક ચાલુ થાય. મિત્ર કશુંક ઓનલાઈન શેર કરે એમાં સાચે જ હરખશોક ન થતો હોય, પણ રિશ્તેદારીના રિસ્પેક્ટ માટે એને લાઇક કરાય કે વાહવાહ થાય. આવું મોં પર કહો તો માઠું લાગવાના ચાન્સ વધુ. એટલે તેરી બી ચૂપ, મેરી બી ચૂપની જેમ પરાણે પરાણે બે ય કે બેમાંથી એક પાર્ટી ખેંચે. એમાં જો એક પક્ષની અપેક્ષા વધી જાય તો વિસ્ફોટ થાય, ને ઉઝરડા બેઉ દિલ પર વધે.

મૂળ મુદ્દો એમાં ઠરી ગયેલી હૂંફ હોય છે, જે માત્ર ડિજીટલ કનેક્ટિવીટને કારણે ફરી જાગી હોવાનો આભાસ થાય છે. કેવળ આભાસ. થ્રી-ડી ફિલ્મની લલચામણી સ્ટ્રોબેરીને બચકું ન ભરી શકાય એવો. સોડાના ઉભરામાંથી મળતા (ઝીરો) પ્રોટીન જેવો! ફોમમાં એટેન્શનને લીધે 'બોન્ડનેસ' માટે જરૃરી એન્ડ્રોફીનનો જમાવ જ નથી થતો!

એટલે આજના જમાનામાં ફ્રેન્ડશિપ ત્રણ પ્રકારની રહી છે. સક્રિય, સુષુપ્ત અને સૌજન્ય. સક્રિય એટલે રોજેરોજ રિયલ સંપર્ક હોય, એકબીજાની લાઇફમાં ઈન્વોલ્વમેન્ટ હોય તે. ઈમોશનલ સપોર્ટ, ફિઝીકલ મીટિંગ્સ. સુષુપ્ત એટલે સંજોગોવશાત ડેઇલી કનેક્શન ન જળવાતું હોય. બધું શેર પણ ન થતું હોય પરસ્પર. પણ પ્રસંગોપાત જ્યારે મળો ત્યારે બોન્ડિંગ અનુભવી શકાય. એકબીજાની લાઇફના ટ્રેકની જાણકારી રહેતી હોય. સુખેદુખે ખબરઅંતર પૂછતા હોય કે ક્યારેક જમવા-ફરવા ભેગા થઈ જવાતું હોય.

સૌજન્ય યાને આદરસન્માન પૂરતી મિત્રતા. આમ દોસ્તી અંદરથી 'ફીલ' ન થતી હોય, પણ યા તો ભૂતકાળમાં સામી વ્યક્તિ સાથે સરસ સંબંધ રહ્યો હોય એની સુગંધ હોય. કે કોઈ ચોક્કસ બાબતે એના માટે રિસ્પેક્ટ હોય. માટે રિલેશનનું લેસન કરવું ગમે.
પણ વિધવિધ દેશોના એક્સપર્ટસ કહે છે કે આજે ડિજીટલ ડિવાઈસીઝને લીધે 'ક્વૉન્ટીટી' (સંખ્યા) સંબંધોની અસામાન્ય વધી ગઈ છે. રોજ કોઈ નવા ચહેરા સાથે વાત થતી હોય. પણ એમાં ક્વૉલિટી (ગુણવત્તા) ઘટી ગઈ છે! મતલબ જેમ પહેલાં જેવું ઘાટું દૂધ નથી મળતું, એમ ગાઢ મૈત્રી ય દુર્લભ છે. ફ્રેન્ડશિપ તો છે જ. એની વાતો ય છે. પણ બધે એની 'થિકનેસ' એવી જ નથી રહી. એ પાતળી પડતી જાય છે.

મોસ્ટ ઓફ ધ ટાઈમ હેંગિંગ આઉટ કરતા યંગસ્ટર્સના ગુ્રપ્સ જોજો. થોડી ધમાલમસ્તી હાહાચિચિયારીઓ પછી બર્થ-ડે પાર્ટીમાં ય ઘડી ઘડી નજર સેલફોનમાં જશે! 'સામે બેઠેલા' હંમેશા 'સાથે બેઠેલા' જ હોય, એવું આજે જોવા નથી મળતું. વર્ચ્યુઅલ વર્લ્ડ વધુ એડિક્ટીવ, ફેસિનેટિંગ લાગે છે. જમતા-જમતા આપણે બધા વાતચીત કરતા કરતા વચ્ચે ફોટો લેવા લાગીએ છીએ. એમાં ફ્રેન્ડશિપ ફ્રીક્વન્સીમાં જૂના રેડિયો જેવી ઘરઘરાટી આવતી રહે છે.

વળી ડિજીટલ ડિવાઈસીઝને લીધે શંકા વધતી જાય છે. ક્યારે એનો ઉપયોગ કરી કોણ કોની પથારી ફેરવી નાખે, એનો ભરોસો રહેતો નથી. મિત્રતાની અધમ કક્ષા છે, જેમાં મોબાઈલ જેવા સાધનોનો ઉપયોગ કરી કોઈ મિત્રતાના સ્વાંગમાં સહજભાવે ભરોસાથી થયેલ વાતો કે ઘટનાઓના ઓડિયોવિઝ્યુઅલ રેકોર્ડિંગ કરે. ક્રાઈમના આ પ્રકારના સમાચારો વધતા જાય છે.

જેમાં કાનૂની જ નહિ, નૈતિક ગુનો પણ બને છે. એક બાજુથી લોન્લીનેસ એપેડેમિક વધે છે. ખાલીપાને લીધે માણસ બીમાર સુદ્ધાં પડે છે. માટે શેરિંગ એની નેચરલ જરૃરિયાત છે. બીજી બાજુ ડિજીટલ 'હથિયારો'એ ચોમેર અવિશ્વાસનું વાતાવરણ સર્જી દીધું છે. સ્ક્રીનશોટ્સના પોલિટિક્સ રમાય છે. દુનિયાભરમાં સ્નેપચેટ નવી પેઢીમાં નંબર વન પોપ્યુલર કેમ છે? કારણ કે, એમાં થયેલી ચેટ કોઈ પણ પ્રકારે સ્ટોર થતી નથી. મિત્રતાના નામે છોકરીઓના ફોટા મોર્ફ કરવાના ક્રાઈમ હવે પરદેશી રહ્યા નથી. અમુક લોકો ઓનલાઈન વર્લ્ડમાં ભૂરકી છાંટવા કોઈની સાથે હોય નહી, એટલી અંગત આત્મીયતાનોડોળ કરે છે. પર્સનલી ભાગ્યે જ કોઈ ચેક કરે!

માટે એક્ચ્યુઅલી ડિજીટલ પ્લેટફોર્મ્સમાં દોસ્તી મજબૂત બનવાને બદલે રિવર્સ ટર્ન લે છે. મજબૂત દોસ્તી ઢીલી પડે છે. ખાનગી વાતો જાહેરમાં ચર્ચાતા કાનભંભેરણી કરતા ખાટસવાદિયાઓને ચાવી ચડાવવાનો ચાન્સ મળે છે. મિત્રોના સુખ જોઈને જલન પણ વધી શકે છે. માફ કરજો, નોર્મલ લાઈફમાં સ્મૂધ ચાલતો સંબંધ ક્યારેક એક્ટિવ સોશ્યલ નેટવર્કના બે-પાંચ વર્ષના ગાળામાં ઉબડખાબડ બની જાય છે. ક્યારે કઈ કોમેન્ટથી કોને કેવું માઠું લાગી જાય, એનો કોઈ અંદાજ રહેતો નથી. મ્યુચ્યુઅલ રિસ્પેક્ટની વાયબ્રન્સી એન્ડ ફ્રીક્વન્સી સરાજાહેર ડિબેટને લીધે ખોરવાઈ જાય છે. પછી શેરડીના સાંઠાની રસદાર ગંડેરી ચૂસાઈ જાય છે, ને વધે છે કેવળ ગાંઠો!

ઈગોને લેટ ગો ન કહો ત્યાં સુધી કોઈ સંબંધ શાશ્વત રહેતો નથી. પણ દુશ્મન ન કરે, દોસ્ત ને વો કામ કિયા હૈ વાળી સિચ્યુએશન બાબતે ૨૧મી સદીમાં એલર્ટ રહેવા જેવું છે. એમ તો સદીઓ પહેલા અમેરિકાના ફાઉન્ડિંગ ફાધર એવા થોમસ જેફરસને સોનેરી સલાહ આપી હતી ઃ બધા સાથે સ્નેહપૂર્વક વર્તવું. પણ નિકટ બહુ ઓછાને આવવા દેવા. ને એવા અંગત સ્વજન પણ કાળજીથી ભરોસાપાત્ર છે કે નહિ, એની કસોટી પછી જ પસંદ કરવા! મતલબ, કાન બધાને આપવા, પણ જીભ કોઈને નહિ વાળી ચાણક્યવૃત્તિ! લેકિન, મૈત્રી તો ઈમોશનલ ફૂલ બનવાનુ નામ છે.

એટલે આ શાણી સલાહનો અમલ ન કરી શકતા મદદગાર ને મોજીલા મિત્રો ક્યારેક પેટ ભરી પસ્તાય છે. આ જાલિમ, સ્વાર્થી અને 'ગરજ સરી, કે વૈદ વેરી'ના જમાનામાં સાક્ષાત શ્રીકૃષ્ણની વાત તત્કાળ અમલમાં મૂકવા જેવી છે. કૃષ્ણે નારદને કહેલું કે પોતાનું હૃદય કોઈ પરમ મિત્ર, જૂના સખા પાસે જ ખોલવું. જૂના હોય, પરમ મિત્ર હોય પણ જો અણસમજુ હોય તો દિલ ખોલી વાત ન કરવી. એને સારાસારનો વિવેક નહિ રહે.

અને અંગત દોસ્ત હોય, સમજદાર હોય પણ આપણા માટે ભાવ રાખનારો ને આપણા સ્વભાવને સમજી, નબળાઈઓ કરતા આવડતો, ગુણો, ઉપકારને યાદ રાખનારો 'આત્મીય' ન હોય તો એની સામે હૈયું ન ઉઘાડવું! દોસ્તી એક સિક્રેટ વૉલ્ટ જ હોય છે, એની ચાવી સુપાત્રના હાથમાં જ સલામત રહે.
અને એક સુપ્રીમ કોર્ટ લેવલના કાયદાને ઘોળીને પી ગયેલા સિનિયર વકીલ મિત્રે આપેલી અદ્ભૂત સલાહ ઃ અંગત મિત્રો ક્યારેય સેમ પ્રોફેશનમાં રાખવા નહિ. વક્ત કા તકાદા હૈ. મતલબ, જે ફિલ્ડમાં કામ કરતા હો ત્યાં મિત્રતા જરૃર રાખવી.

એકબીજાને ટેકો કરવો, ટીમવર્ક રાખવું, પણ પ્રોફેશનલ સરહદ મનોમન બાંધીને, એમની સાથે હરવાફરવાનું ને બહુ બધી ચર્ચાઓ-શેરિંગ-ઘર જેવો સંબંધ - જોખીજોખીને વિવેકભાનથી જ રાખવો. ક્યારે કામનું ફ્રસ્ટ્રેશન કે - એ માટે કરેલી સાચી ટકોર ટ્રિગરનું કામ કરી એને ઇર્ષાળુ શત્રુ બનાવી દે એ કહેવાય નહિ! જરાક જોજો, એટલે જ કાં તો મોદી કે બચ્ચન લેવલ પર પહોંચેલા લોકો અંગત મિત્રો રાખતા જ નથી, ને રાખે તો ધોનીની કે ધીરૃભાઈ અંબાણીની જેમ રોજીંદા કામકાજથી કે વ્યવસાયની બહારના, બચપણના જ રાખે છે!

ડિજીટલયુગમાં દોસ્તી બેધારી તલવાર જેવી બનતી જાય છે. કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ મેઈન્ટેઈન ન થાય તો તૂટી જાય છે. સંબંધ પોતાનો અહં અને જરૃરિયાત સંતોષવા થતી સોદાબાજી જ થતો જાય છે. લાગણી કરતાં લુચ્ચાઈનું મહત્ત્વ વધતું જાય છે. ફ્રેન્ડશિપ હેલ્પ, હ્યુમર એન્ડ ે હેબટથી રચાવી ઘડાવી જોઈએ. સંજય દત્તના 'કમલી' ઉર્ફે પરેશ ઘેલાણીની જેમ! પણ મોટે ભાગે આજે યારાના 'કોમન એનિમી' યાને સમાન દુશ્મનને ધ્યાનમાં રાખી એને પાડી દેવા રચાય છે, તો ય હેલ્થ માટે ય સારા મિત્રોની વેલ્થ જરૃરી છે. (એ સોલ્યુશનની વાત હવે પછી) આપને આજનો છોકરીઓનો 'મેં તો તને એ નજરથી ક્યારેય જોયો જ નથી' દિવસ મુબારક હો! ;)

*ફાસ્ટ ફોરવર્ડ*
જે એક કોલમાં રાત-મધરાત તમને એરપોર્ટ કે સ્ટેશન જ્યાં જવું-આવવું હોય ત્યાં તેડવા-મૂકવા આવે એ જ તમારો સાચો મિત્ર. બાકી બધા પરિચિતો! (અમેરિકન ટોક શો હોસ્ટ જય લીનો)

*સૌજન્ય:* www.gujaratsamachar.com
----------------------------
ટીમ
✍🏼
*Limited 10 પોસ્ટ* વતી
મોડૅન ભટ્ટ
08/08/2018

(આ પોસ્ટ *કોપી રાઈટ*  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

તમારા ફીડબેક ફેસબુક ઉપર આપવા માટે અને *Limited 10 પોસ્ટ* ગ્રુપ માં જોડાવા માટે નીચેની લિંક ઉપર કલિક કરો
https://www.facebook.com/Limited-10-Post-169886837043261/

[17 ગ્રુપ, 3000 વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉  પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી.]rajubhainoblog.blogspot.com

Comments

Popular posts from this blog

Chintan ni ple ~~Krushnakant Unadkat

Interesting लव स्टोरी-

*ઇશ્કની દિવાનગીની એક રંગીન દાસ્તાન*