અનાવૃત"* - શતદલ પૂર્તિ ✒️લેખક: *જય વસાવડા*

*"અનાવૃત"* - શતદલ પૂર્તિ
✒️લેખક: *જય વસાવડા*
http://planetjv.wordpresd.com/

*આ ગલે લગ જા : આલિંગન એક રંગીન આંદોલન !*

*પૂર્વના આધ્યાત્મિક રહસ્યવાદીઓએ સ્પર્શથી એટલે)* *દૂર રહેવા રાખવાના* *નિયમો બનાવ્યા હતા કે,*
*આંગળીના ટેરવા પણ એનેર્જી* *ટ્રાન્સમીટર તરીકે અને રૃંવાટીના મૂળ પણ એનર્જી* *રિસિવર તરીકે કામ કરી શકે એનો એમને સાક્ષાત્કાર થઈ ગયેલો.*
*પણ જમાનો એટલો ઝડપી બન્યો છે કે રિલેકસ થવા માટે આ ઊર્જાસંચય છોડવાની જરૃર છે*

એક જમાનામાં હોલીવૂડની રૃડીરૃપાળી લાલ સફરજન જેવી એકટ્રેસ ડ્રયુ બેરિમોરે એવું તોફાની ક્વોટ  'મને ભેટવામાં એટલી મજા પડે છે કે... કાશ, હું ઓકટોપસ હોત! તો આઠ જણને એક સાથે વળગી પડત!' ( કાશ, આપણે ત્યારે એની નજીક હોત !).
રાજકારણીઓ આપણે ત્યાં એટલા સ્ટ્રેઈટજેકેટ હોય છે કે એમને લળી લળી સલામો કરી પગે લાગવાનું જ રહે. ત્યારે સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જઈ જાદૂ કી ઝપ્પી આપી આવ્યા એ ઘટના ભારે ચર્ચામાં રહી. સાહેબ ઇન્ટરનેશનલ લીડર્સને ભેટે છે.
રાહુલજીએ નેશનલ લીડરથી શરૃઆત કરી. ગુડ ગુડ. શિવાજી અને અફઝલખાન જેવા ભેટેથી કટારી હુલાવવાના ના હોય ત્યાં સુધી 'હંગ' પાર્લામેન્ટ કરતા 'હગ પાર્લામેન્ટ' જોવી આપણને તો ગમે. નેતાઓ ફિલ્મો જુએ, ખુલ્લા બને અને મોકળા રહે એમાં આપણું કલ્યાણ છે. એમ્બેરેસિંગ લાગે તો ય એમ્બ્રેસ સારો, એમાં લીન્ચિંગ જેવા ગડદા-પાટુ તો નથી.
આજે પુરુષ -પુરુષ કે સ્ત્રી-સ્ત્રીઓ ભેટે તો નોર્મલ લાગે છે. પણ હજુ ભારતના ઘણા વિસ્તારમાં જાહેરમાં સ્ત્રીને પુરુષ ભેટે તો ત્યાં ભેટયા વિના જ જોતા રહી ગયેલા સ્ત્રી-પુરુષો એવા હૂંફાળા હગ જોઇને 'બગ' થઇ જાય છે ! હમણાં મુરાદાબાદમાં એક મોલની બહાર ઈદ ઉપર અલિશા મલિક નામની મુસ્લિમ યુવતીએ ૧૦૦ પુરુષોને પબ્લિકલી હગ કર્યું ! બિચારા જુવાનિયાઓ તો એટલા ગદગદ થઇ ગયા કે, કોઈએ કશી છેડતી ય કરી નહિ. પણ મુલ્લાઓ ઉકળી ઉઠયા ને છોકરી પર ઇસ્લામ કી તૌહીનનો આરોપ લગાવી દીધો !
આ બાબતે ભારતની પ્રાચીન સંસ્કૃતિ આજના ભારત જ નહિ, પશ્ચિમ કરતાં ય વધુ આધુનિક હતી. અગાઉ પણ હગ બાબતે લખેલું છે, એનું રિવિઝન યાદ દેવડાવીએ તો જગત સાહિત્યમાં રોમેન્ટિક ઈરોટિક આલિંગનોના શ્રેત્તમ એવા મદઝરતા વર્ણનો ભારતના સંસ્કૃત સાહિત્યમાં છે....
કાલિદાસના 'કુમારસંભવ' કે 'અભિજ્ઞાન શાકુંતલમ્', શુદ્રકનું 'મૃચ્છકટિક ઉપરાંત વિક્રમોર્વશીય, માલવિકાગ્નિમિત્ર, સ્વપ્નવાસવદત્તમ જેવા નાટકો જ નહિં 'રામાયણ' કે 'મહાભારત'માં પણ આવા એકદમ ઇમેજીનેટિવ અને ક્રિએટિવ વર્ણનો છે. જયદેવના 'ગીતગોવિંદ'ની તો થીમ જ પ્રણયમાં ચૂર અને મદોન્મત અર્થાત કામાતુર જએવા રાધા- કૃષ્ણના મિલનની છે, જેમાં એ બંનેના આલિંગનનું અંતિમ સર્ગમાં થતું વર્ણન જો ફિલ્મી પડદે વિઝયુલાઇઝ કરો તો જઅત્યારના લાગણીઓની સેન્સરશિપના દેશમાં જેલના સળિયા સાથે જઆલિંગનબદ્ધ થવું પડે ! બાય ધ વે, લાજ કાઢતા ગુજરાતી સાહિત્યમાં અશ્વિની ભટ્ટ અને ગૌતમ શર્મા જેવા અપવાદો બાદ કરતાં આલિંગનને ખાસ બહેલાવાયું નથી. સો સેડ!
ભારતના અમુક ગામડાઓમાં સ્વીટ અંગ્રેજી શબ્દ 'હગ'નો કદાચ અવળો (એ કોણે નાક પર રૃમાલ મૂકયો?)  અર્થ થઇ જાય- પણ 'હગ' એટલે વ્હાલથી ભેટવું! અલંકારિક ગુજરાતીમાં કહીએ તો બાહુપાશનો આશ્લેષ !
જો કે, હિંદુ હોવા બાબતે ઉત્સાહી ભાજપ-કોંગ્રેસ બેઉના નેતાઓ સંસ્કૃતનો અભ્યાસ કરે તો એમને ખ્યાલ આવે કે, આજે ભારતીય સંસ્કૃતિમાં ભલે દૂરથી હાથ જોડીને નમસ્કારની પ્રથા પ્રચલિત થઇ ગઈ.
પણ વિશ્વમાં ભારતની એકમાત્ર એવી પ્રાચીન સંસ્કૃતિ હતી, જેમાં ક્લાસિફિકેશન ઓફ હગ્સ હોય ! અલબત્ત, ત્યારે ધારા ૩૭૭ વાળા ઇસ્યુઝ  નહિ હોય એટલે આ વર્ગીકરણ નાર-નારીના આલિંગન માટે કરવામાં આવ્યું છે ! જેનો ઉલ્લેખ વાત્સ્યાયન કામસૂત્રમાં ય છે.પણ છે જગતમાં બેજોડ. હજારો વર્ષો પહેજલા આવું ચિંતન પૃથ્વી પર બીજે ક્યાંય થયું નથી.
'સ્પૃષ્ટક' એટલે સામેથી આવતી વ્યક્તિને કોઈને કોઈ બહાનું બતાવી અનાયાસ જ ભેટવું. 'વિદ્વક' એટલે એકાંત જોઈ કોઈ ી સામેથી એના ઉરોજથી ગમતા પુરુષનો સ્પર્શ કરી પાછળથી ભેટી પડે અને પુરુષ વળતો પ્રતિસાદ આપે તે. ભીડ અથવા અંધારામાં બીજાઓને દેખાય નહિ એમ ભેટી લેવું એ 'ઉદુષ્ટક' આલિંગન. કોઈ દીવાલ કે સ્તંભના ટેકે ઊભીને એકબીજાને વળગી પડી અંગો દબાવે એ 'પીડિતક'. આ બધામાં શબ્દો ન હોય અને આ ડેટિંગ ટાઈમની કેલીઓ છે. પણ વધુ ઇન્ટીમેટ રિલેશન્સમાં 'લતાવેષ્ટિક' એટલે વૃક્ષ પરની વેલીની જેમ બીજાને લિપટી જવું. 'વૃક્ષાધિરૃઢકમ' આજે જે પોપ્યુલર છે એવો હગ. એકબીજાના પગને ગૂંથી પીઠ પાછળ હાથ કસીને વૃક્ષ પર ચડતા હોય એમ એક્સ્પ્લોર કરતા ભેટવું તે. લતા (વેલ) વૃક્ષને ફરતે કુંતલાકારે (સ્પાઇરલ!) વીંટળાઇ વળે, એમ ભરડો લઇ રમણી અને નરબંકા ભીસાઈ જાય.સૂતાં સૂતાં ભુજા અને જંઘા પસારી ભેટવું એ 'તિલતાંદુલકમ' આલિંગન. તાંદુલ ( પૌવા )માં તલ ભળી જાય એમ ! અને સાવ એકમેકમાં એકાકાર થાય એવું બેઠાં બેઠાં ય એક્બીજાની પીઠને પગ વીંટાળી દો એ અલ્ટીમેટ 'ક્ષીરજલક' યાને દૂધ અને પાણી જેવું પરસ્પર ઓગળી જતું આલિંગન ! વર્ણન તો રસિક, પણ પોએટ્રી ય શીર્ષકોમાં કેવી અદ્ભુત !
હજુ તો આચાર્ય સુવર્ણનાભના 'અરૃપગુહન'થી 'લલાટિકા' જેવા રતિરહસ્યના આલિંગનોની તો જુદી જ ચર્ચા થઇ શકે.
પણ પ્રાચીન સાહિત્યમાંથી મોડર્ન સાયન્સ તરફ જઈએ તો ભલે સંસદમાં રાજનાથસિંહને સુંદરલાલ બહુગુણાનું વૃક્ષો કાપતા બચાવવા માટે એને વળગી પડવાનું 'ચિપકો આંદોલન' યાદ આવી ગયું, હગ એક થેરેપી ગણાય છે : દિવસના ચાર અસ્તિત્વ ટકાવવા ને બાર વિકાસ કરવા માણસને મળવા જોઈએ એવું નિષ્ણાતો કહે છે. ૨૦ સેકન્ડથી વધુ ચાલે એવા ગાઢ મૈત્રીપૂર્ણ આશ્લેષથી બ્લડ પ્રેશર ઘટે છે. હિમત વધે છે.
સપોર્ટ મળે છે. સ્ટ્રેસ હોર્મોન કોર્ટીસોલનો પ્રતિકાર કરતો પ્લેઝર ફીલિંગનો ન્યુરોપેપ્ટાઈડ ઓક્સિટોસીન ઝરે છે. ઉપરાંત ચામડી પરના પેસીનાઈન કોરપ્યુસ્કલ્સ નામના સેંકડો પ્રેશર સેન્ટર્સ ને સ્પર્શનું મીઠું મનગમતું દબાણ મળતા દિમાગમાં વેગસ નર્વ સાથે કનેક્શન બનાવે છે. જેની પોઝિટીવ અસર હાર્ટ પર આવે. પાવર ઓફ વોર્મ હગ ! હિલીંગ હગ એન્ડ ટીચિંગ ટચ !
મુન્નાભાઇ બ્રાન્ડ 'જાદૂકી ઝપ્પી' એક થેરેપી છે. રિયલી! હુંફાળા હગના ફાયદાઓ હરડે કે પ્રાણાયામની જેમ અપરંપાર છે! એક તો યશ ચોપરાના મૂવીઝ જેવું હગમાં ફીલગુડ ફેકટર છે. એ એકલતાને દૂર ભગાવે છે. ભયમાંથી મુક્તિ આપે છે. સલામતીનો અહેસાસ કરાવે છે. ફીલીંગ્સને ઝંકૃત કરે છે.
ગમતાં પ્રિયજનનો જો હગ મળી જાય તો આત્મવિશ્વાસમાં વધારો થાય છે (વાઉ! હી ઓર શી વોન્ના હગ મી!) નફરત અને અસ્પૃશ્યતાની દુષ્ટ દીવાલો દૂર થાય છે. ટેન્શન ઘટે છે, અનિદ્રામાંથી મુકિત મળે છે. છાતી, હાથ, બાવડાના સ્નાયુઓ પ્રવત્ત રહે છે (અને એને તથા પેટના સ્નાયુઓને સુદ્રઢ બનાવવા સ્વાસ્થ્ય સુધારી કસરતી બનાવવાનું મન થાય છે!) રિશ્તાનું બંધન વગર કાયદાએ મજબૂત થાય છે. આત્માના અસ્તિત્વનો અહેસાસ થાય છે.
શિયાળાની ઠંડીમાં હૂંફ મળે છે. (એનર્જી એફિશ્યન્ટ !)
ભેટવું શુદ્ધ ડેમોક્રેટિક ઘટના છે. નાત, જાત, ધર્મ, કોમ ઉંમર, દેશ, કાળ, નર, નારીના ભેદ વિનાં કોઈ પણ કોઈ પણને ગમે ત્યાં, ગમે ત્યારે ઉમળકાથી ભેટી શકે છે. એ ઈકો - ફ્રેન્ડલી પણ છે! (પર્યાવરણને કદી ગુટકા - સિગારેટ - પ્લાસ્ટિક જેટલું પણ નુકસાન આલિંગને પહોંચાડયાનું સાંભળ્યું છે?) હગ માટે કોઈ સ્પેશ્યલ સાધનો, શણગારની જરૃર નથી. ઈટસ પ્યોર પ્લેઝર! એ દુ:ખને હળવું કરી શકે છે, અને સુખને શબ્દશ: બમણું! વગર રૃપિયાએ એ ખાલીપાને દૂર કરી પ્રેમને ભરચક્ક કરી શકે છે. એ જીવનનું અનુસંધાન (કનેકશન!) જોડે છે.
સે નો ટુ ડ્રગ્સ, સે યસ ટુ હગ્સ!
આ કેવળ ચબરાકિયું સ્લોગન નથી. કેફી દ્રવ્યોના કૃત્રિમ નશા કરતા આલિંગનનો કુદરતી નશો એવો રામબાણ નીવડે છે, કે દવાવાળા 'ડ્રગ્સથી પણ દુર રહી શકાય! ડો. વિલ્હેમ રેક નામના સાઈકિયાટ્રિસ્ટે વર્ષો પહેલા હગ થેરાપી શરૃ કરેલી. દર્દીઓને જાદૂ કી ઝપ્પી વડે માનસિક રીતે સાજા કરવામાં આવતા! પછી ડો. મિલ્ટન ટ્રેગરે શોધેલી મસાજ થેરાપી પણ ગ્લોબલી પોપ્યુલર થઈ ગઈ છે.
જેમાં સાંધાં અને માંસપેશીઓ પર હેતાળ સ્પર્શ આપવામાં આવે છે. જો હેરકટિંગ સલૂન, મસાજ પાર્લર કે ચંપીવાળા પાસેના માલિશમાં તમને બહુ મજા આવતી હોય, તો એ દર્શાવે છે કે, તમારા જીવનમાં નેચરલી મળતા સ્પર્શની કમી છે - માટે એ બહારથી ખરીદવો પડે છે!
મુદ્દો તો એ છે કે તમામ પ્રાચીન શિલ્પ, ચિત્ર કે સાહિત્યમાં નર-નારીને આલિંગનબદ્ધ દર્શાવતો આ દેશ આજે કંઇક વિચિત્ર રીતે એ જ ધર્મના નામે 'સ્પર્શવંચિતા સંસ્કૃતિ ઉભી કરી ચૂકયો છે. આપણે ડેન્ગ્યુના મચ્છરને સ્પર્શવા દઇશું - પણ ઓપોઝિટ સેકસની બે વ્યકિતઓને નહિં! ભેટવાની વાત તો જવા દો, અહીં સાધુઓ તો ઠીક સંસારી પુરૃષોથી પણ જાહેરમાં સ્ત્રીના માથે હાથ મૂકાય કાં બે હાથ જોડી નમસ્કાર કરાય! ક્યાંકથી એક ફિલસુફી ઠસાવી દેવાઈ છે કે ઉર્જા સ્પર્શથી વહી જાય અને નેગેટીવ એનર્જી આધ્યાત્મિક ચક્રો પર અસર કરે એટલે હેન્ડશેક પણ નહી કરવાનો ને હગ પણ નહિ
! જો કે, હવે અમુક અધ્યાત્મિક મહિલા ગુરુઓ પણ ભાવથી ભેટે છે.
બાકી, વિજાતીય સ્પર્શથી જાણે ઇલેકટ્રિક કરન્ટ લાગતો હોય એવા વર્ણનો કવિઓ કરી ચૂકયા છે!કદાચ એટલે જ પરાપૂર્વથી 'હસ્તમેળાપનું આટલું મહાત્મ્ય રહ્યું હશે. ી કે પુરૃષને એકબીજાનો તાજગીસભર યુવા સ્પર્શ ન મળ્યો હોય પછી અદ્દભૂત ઝણઝણાટી અને રોમેરોમમાં ઉભરાતા રોમાંચ પર કવિતાઓ જ રચાયને! ગમતાંનો અનાયાસ થઇ જતો સ્પર્શ જરૃર એક મધમીઠું સ્પંદન છે, પરંતુ એવો સ્પર્શ સહજ ન મળ્યો હોય અને પછી અચાનક મળે તો આરડીએકસથી વધુ વિસ્ફોટક થઇ શકે! ઘણી વખત સૌમ્ય, સુંદર, શરમાળ છોકરી સાવ ચલતાપુર્જા આઇટમના પ્રેમમાં પડી જાય એમાં શબ્દને ઓવરટેઇક કરી જતો સ્પર્શનો પ્રભાવ છે! ટચ ઇઝ
ટોર્ચલાઇટ ઇન ડાર્કનેસ ઓફ લવલાઇફ! બટ, નોટ ઓન્લી ફોર કપલ્સ!
આ દુનિયા એવી છે કે, તમારી છાતીમાં ઘા વાગ્યો હોય તો દસ જાણીતા લોકો આવીને સહાનુભૂતિ બતાવશે, મલમ લગાડશે - પણ એ છાતી નીચે છૂપાયેલા હૃદયમાં ઝખ્મ થયો હોય તો દસ જાણીતા માણસોને પણ કદાચ ખબર નહિ પડે, એની કોઈ દરકાર નહિ લે. એને હસી કાઢશે.
આવા ઘા પરનો મલમ એ વાત્સલ્યથી છલોછલ આશ્લેષ છે. એટલે જ લાગણીઓની કટોકટીમાં માણસને માની ગોદમાં લપાઈ જવાનું મન થાય છે! ટબૂકડાં ભૂલકાંને પણ પ્રેમથી થપથપાવો, વ્હાલથી તેડી લો અને ગાલે બચી ભરી છાતીસરસું ચાંપો તો એ ખિલખિલાટ હસી પડે છે. કારણ કે, એનામાં વહેતો ચેતનાનો પ્રવાહ હજુ દુનિયાદારીથી દૂષિત નથી થયો. બોલતા પણ ન આવડયું હોય એવા બાળકોના ગાલ સાથે ગાલ અડાડી આંખો મીંચી જજો. અજીબ રાહતની અનુભૂતિ થશે.
સારા - ખરાબના અભિપ્રાયો અને ગમા - અણગમાની માનસિક દ્વિધામાંથી મુકત એવા બાળકના સ્પર્શમાંથી પવિત્ર જીવનઉર્જા શુદ્ધ સ્વરૃપે ટ્રાન્સફર થતી હોય એવું લાગશે... સ્પર્શમાં સ્નાન કરવાની પણ એક તાજગી હોય છે!
અલબત્ત, દરેક સ્પર્શ કે આલિંગન આવા પોઝિટિવ નથી હોતા. પણ ખાસ કરીને જેમને એનું સૌથી વધુ જોખમ છે એવી સ્ત્રીઓમાં પ્રકૃતિએ જ કદાચ ઉત્ક્રાંતિના ભાગરૃપે એની સિક્સ્થ સેન્સ મૂકી છે. વ્હાલને બદલે વાસનાભર્યા સ્પર્શની સ્ત્રીઓને આપોઆપ ખબર પડી જતી હોય છે!
પછી જાણી જોઈને એ આંખ આડા કાન કરે, તે એની મરજી! ટેકનિકલી, કોઈ કોઈને 'સમાનુભૂતિ' વિના, એકબીજાની મરજી વિના ભેટી શકતું નથી. માત્ર ચામડી - ચામડીને અડકે છે. ત્વચાના આંદોલનો સ્વીચ ઓફ થઈ જતા હોય છે. પરાણે ભેટી શકાતું નથી.
ખાસ કરીને નાના બાળકોને એમની મરજી વિના બળજબરીથી થતા અકળામણકારક સ્પર્શનો ભેદ સમજાવવો જોઈએ, જેથી હગના નામે થતા ચાઈલ્ડ એબ્યુઝમાંથી છૂટકારો મળે. કોઈને ન કહેવાની શરતે મંગાતા છૂપા આલિંગનોમાં પ્યાર કરતાં તકરારના ચાન્સ વધુ રહે છે.
એવે વખતે ના પાડવી પડે. વર્લ્ડની સેકસીએસ્ટ સુંદરી ગણાયેલી એન્જેલીના જોલી કહે જ છે કે ''મને કારણ વિના બધાને ભેટયા કરવું ગમતું નથી. એ કરવું પડે ત્યારે એટલા ઠંડા શ્વાસથી હું કરું છું કે સામા માણસને મેં મારા ફરતે રચેલી અદ્રશ્ય દીવાલનો અનુભવ થઈ જાય છે.''
શો બિઝનેસ કે કોર્પોરેટ વર્લ્ડ કે મેટ્રો કલ્ચરમાં ડાબા જમણા ખભા અને ગાલ અડાડી 'હગાહગ' કર્યે રાખવાની એક આદત હોય છે. થોડી દેખાદેખી, ઝાઝી ફોર્માલિટી. એમાં પેજ થ્રીના પાનાઓ પીળા પડી ગયા પછીની શાહીની દુર્ગંધ આવતી હોય છે. રિમેમ્બર, શરીરનો સંપર્ક અને આલિંગનના આંદોલન બે જુદી માયાજાળ છે. ટ્રેન કે - બસમાં ગંધાતી બગલોના પરસેવાની વાસથી ફેફસાં ભરાઈ જાય એટલી હદે ભીંસાતા શરીરો કંઈ ભેટેલા ન કહેવાય! ભેટવામાં બ્રેઈન મેસેજ આપે છે, બોડી તો ફકત મિડિયમ છે.
કહેવાય છે કે, પૂર્વના આધ્યાત્મિક રહસ્યવાદીઓએ સ્પર્શથી એટલે દૂર રહેવા રાખવાના નિયમો બનાવ્યા હતા કે, આંગળીના ટેરવા પણ એનર્જી ટ્રાન્સમીટર તરીકે અને રૃંવાટીના મૂળ પણ એનર્જી રિસિવર તરીકે કામ કરી શકે એનો એમને સાક્ષાત્કાર થઈ ગયેલો. પણ જમાનો એટલો ઝડપી બન્યો છે કે રિલેકસ થવા માટે આ ઊર્જાસંચય છોડવાની જરૃર છે.
આજે માણસ પોતાની એક પણ ઈન્દ્રિય પ્રત્યે પૂરો હોશમાં નથી. નાકમાં કઈ ગંધ કે સુગંધ પ્રવેશી જાય છે? ખબર નથી. પળવારમાં નજર સામેની રંગબેરંગી દુનિયા આંખો સામે જે વસ્તુ હોય, એ પણ દિમાગમાં નોંધાતી નથી. ઝટ ભૂલાઈ જાય છે. ગીત સંભળાતું હોય, પણ ચિત્ત બેઘ્યાન હોય છે. એવી જ રીતે સ્પર્શ પણ ઉતાવળે થતો રહે છે. જ્ઞાાનતંતુ સુધી પહોંચે છે. સંવેદન સુધી નહિં! વન્સ અગેઈન, બાળકોને કેમ રેતીમાં આળોટવું, પાણીમાં છબછબિયાં કરવા વગેરે ગમે છે?
કારણ કે, એમને સ્પર્શની સભાનતા હોય છે. પછી મોટા થતા જઈએ એમ સૂકાયેલી ડુંગળીના ફોતરા જેવા આપણા દેહદિમાગ થતા જાય છે. સ્પેશ્યલી ભારતમાં! કયારેક ઝરણા કે ફુવારા નીચે અથવા શાવર બાથ નીચે ઉભા રહી જળધારાનો પગના નખથી મસ્તકની શિખા સુધી નખશિખ સ્પર્શ અનુભવતા જજો... જાણે સ્વર્ગના દ્વાર રોમે રોમ ઉઘડતા હોય એવો આનંદભરી સ્ફૂતનો અહેસાસ થશે! આવી મજા ગમતાને અંતરના ઉમળકાથી ભેટવામાં આવવી જોઈએ!
રજનીશ કહેતા 'આઈલવ યુ' કહેવાની ચીજ નથી... પ્રગટ કરીને સામામાં પ્રવાહિત કરવાની ઘટના છે. 'હગ મેડિટેશન'ના આ પ્રણેતા એટલે જ તંત્રના પ્રાચીન જ્ઞાનનો હવાલો આપી અંધકારને બદલે રોશનીમાં પ્રેમ કરવાની ભલામણ કરતા, અંધ, મૂંગી, બહેરી વ્યકિતને પ્રેમ બતાવવા માટે ભેટવું પડે.
એ માટે સ્વયં પ્રેમ થવું પડે. કયારેક છાતી સરસા ભેંટવાને બદલે પીઠથી પીઠનો આશ્લેષ અજમાવવા જેવો છે. નવા જ આનંદની અનુભૂતિ થશે! ચાઈલ્ડ ડિલિવરી વખતે એટલે જ વાઈફ દ્વારા હસબન્ડનો હાથ પકડવાનું જરૃરી મોડર્ન મેડિકલ સાયન્સનો રિસર્ચ સમજે છે. આમ તો હગ બૂમરેંગ જેવો છે.
આપો તો સામે પાછો મળે! પણ ભારતમાં એનો ઉત્સાહ ગમે તેટલો તીવ્ર હોય સામા વ્યક્તિના વિરોધ કે સમાજની મર્યાદાની સભાનતા રોકે છે. વાત પ્રેમીઓની જ નથી. મા-બાપ અને પુત્ર - પુત્રી, ભાઈ - બહેન... અરે, મિત્રો પણ ખુલ્લા મનથી ભેટવામાં કશોક સંકોચ અનુભવ્યા કરે છે. પછી શુષ્કતામાં સોસવાતી વેદના જ બચે ને! જેની પાસે ધરતી પર કમ સે કમ એક હૂંફાળો સ્પર્શ છે, એ આસમાનને સ્પર્શી શકે છે!
ફિલ્મ 'ખુદા ગવાહ'માં વિઝયુઅલ મિડિયાની તાકાત સાબિત કરતું એક અવિસ્મરણીય દ્રશ્ય હતું. બાદશાહખાન (અમિતાભ) અને એની બેગમ બેનઝિર (શ્રીદેવી) વર્ષોના વિરહ પછી રણસંગ્રામના મેદાનની વચ્ચોવચ્ચ એકબીજાને મળે છે. જુવાનીમાં અળગા થયેલા એમના દેહ પર હવે વૃદ્ધત્વની ઢળતી સંખ્યા આવી ગઇ છે.
કોઇ સંવાદ નહિં, શબ્દ નહિં- બસ, બંને એકબીજાના બાહુપાશમાં વીંટળાઇ જાય છે... કોઇ તપસ્યા હોય એવા આશ્લેષમાં દિવ્ય સંતોષ અનુભવતા આ યુગલ પર ખલનાયક ઉઘાડી તલવાર સાથે હુમલો કરે છે. બાદશાહખાન પોતાનું આલિંગન છોડયા વિના, એની છાતી ફરતે વીંટળાઇને ખભે માથું ઢાળેલી બેનઝીરને ખલેલ તો શું, ખબર પણ ન પડે એમ ઉઘાડી તલવારને શાંતિથી એક હાથે હથેળીમાં ધાર દબાવીને પકડી લે છે. લોહીની ધાર વહી જાય છે. વિલન સ્તબ્ધ થઇ જાય છે- પણ આત્મીય આશ્લેષની 'સંગમસમાધિ'માં વિક્ષેપ પડતો નથી!
આવી ક્ષણો ઉત્કટતા અને ભાવપ્રદર્શનનું કાવ્યાત્મક નિરૃપણ છે. ગળે મળવામાં અને ગળે પડવામાં ફેર છે. પણ સ્વસ્થ સમાજ એ ખરો કે જ્યાં જાહેરમાં વ્હાલથી ભેટી શકાય. કોઇનું દલીલોથી માથું ખાવા ચિપકવા કરતા મગજ શાંત કરતું ભેટાભેટી શું ખોટી? આપણે અસ્પૃશ્યતાનું પાપ બહુ કર્યું. હવે પપ્પીઝપ્પીનું પુણ્ય

*ઝિંગ થિંગ*
આંધીયોં, તુમને દરખ્તોં કો ગિરાયા હોગા. જરા ગુલ સે લિપટી હુઇ,
તિતલી કો ગિરા કર દેખો !
( કૈફ ભોપાલી )
શાયરે ઝંઝાવાતને પડકાર ફેંકયો છે- તારા ધસમસતા વેગથી તે જમીનમાં મજબૂત મૂળિયા રોપીને બેઠેલા દમામદાર વૃક્ષોને ઉખાડી ફેંકયા હશે- પણ ત્રેવડ હોય તો ફૂલને વીંટળાયેલી એક તિતલીને ડગાવી જો ! જે ખરા ઉમળકાથી, તનથી જ નહિં પણ મનથી એકબીજાને ભેટેલા છે- એને સંજોગોનું વાવાઝોડું હલાવી શકતું નથી!




*સૌજન્ય* www.gujaratsamachar.com
------------------------------------
ટીમ
✍️ *Limited 10 પોસ્ટ* વતી
મોર્ડન ભટ્ટ
31/07/2018

(આ પોસ્ટ *કોપીરાઇટ* આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

તમારા ફીડબેક ફેસબુક ઉપર આપવા માટે અને *Limited 10 પોસ્ટ* ગ્રુપ માં જોડાવા માટે નીચેની લિંક ઉપર કલિક કરો
https://www.facebook.com/Limited-10-post-169886837043261/

[17 ગ્રુપ 3000 વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું મારુ *Limited 10*✉️ *પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી ]rajubhainoblog.blogspot.com

Comments

Popular posts from this blog

Chintan ni ple ~~Krushnakant Unadkat

Interesting लव स्टोरी-

*ઇશ્કની દિવાનગીની એક રંગીન દાસ્તાન*