*ઇશ્કની દિવાનગીની એક રંગીન દાસ્તાન*

*"સાહિર લુધિયાનવી" સિરીઝ*

*ઇશ્કની દિવાનગીની એક રંગીન દાસ્તાન*

*"ક્લાસિક"*-અર્ધસાપ્તાહિક પૂર્તિ
✒લેખક: *દીપક સોલિયા*

પંજાબી-હિન્દી સર્જક અમૃતા પ્રીતમના રૂપ વિશે ફિલ્મલેખક સી.એલ. કવીશે લખ્યું છે, ‘અમૃતા પ્રીતમ એટલે જાણે આરસની મૂર્તિ. કોઈ શિલ્પીની એમના પર નજર પડી હોત તો એણે અમૃતા પરથી ઘડેલી મૂર્તિ મંદિરમાં રાધા તરીકે પૂજાતી હોત.’ જોકે, અમૃતાના રૂપ વિશે વિખ્યાત પંજાબી સાહિત્યકાર બલવન્ત ગાર્ગીનો મત જરા જુદો હતો (ગાર્ગીએ લખેલી સિરિયલ ‘સાંઝા ચુલ્હા’ દૂરદર્શન પર સારી ચાલેલી). ૧૯૪૩માં લાહોર નજીક પ્રીતનગર ગામે સાહિત્ય સમ્મેલન યોજાયું ત્યારે બલવન્ત ગાર્ગીને મિત્ર નવતેજે કહ્યું, ‘આ વખતે કવિ-દરબાર જામશે, કારણ કે અમૃત કૌર (અમૃતા પ્રીતમ) આવવાની છે... પોતે બહુ સુંદર છે અને સુંદર કવિતા લખે છે.’ પણ ગાર્ગીસાહેબ અમૃતાને જોઈને અંજાયા નહીં. એમણે લખ્યું, ‘અમૃતા મળી. આંખમાં કાજળ લગાડેલું અને કાજળની રેખાઓ છેક કાન સુધી ખેંચાયેલી હતી. નાનકડું કદ. લોકોએ જેને રૂપાળી કહી કહીને રૂપગર્વિણી બનાવી દીધી હોય એવી એક રૂપસભાન સ્ત્રીનો ગર્વ એના ચહેરા પર તરવરતો હતો.’ પછી તો ગાર્ગીનો ઘણો સારો પરિચય થઈ ગયો અમૃતા સાથે (બન્ને લાહોરવાસી હતાં). આ પહેલી મુલાકાતના વીસેક વર્ષ પછી, અમૃતા જ્યારે ૪૪ની આસપાસનાં હતાં ત્યારે પણ અમૃતાના રૂપથી લોકોનું ઘાયલ થવાનું ચાલુ જ હતું. એ વિશે અમૃતાએ બલવન્ત ગાર્ગીને કહ્યું, ‘કેટલાક લોકો બહુ શાલીનતાથી મળવા આવે, પણ બે દિવસ પછી પોતાનો ઇશ્ક હથેળી પર એવી રીતે ધરી દે જાણે કહી રહ્યા હોય, લો, ઇલાયચી ખાશો? મને એ ઇશ્કથી નફરત છે, જે ઇલાયચીની જેમ ઓફર કરવામાં આવતો હોય.’

ખેર, જેના રૂપથી અનેક લોકો ઘવાઈ જતા એવાં અમૃતા પ્રીતમ પોતે એક એવી વ્યક્તિથી ઘાયલ થયા, જેને પોતે કદરૂપો હોવાની ગ્રંથિ હતી. એ શખ્શનું નામ હતું સાહિર લુધિયાનવી. અલબત્ત, છ ફૂટની સોટા જેવી કાયા ધરાવતા સાહિરનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું, પરંતુ સાહિર પોતે જિંદગીભર એવું માનતા રહ્યા કે એમનો ચહેરો સુંદર નથી. સાહિર-અમૃતા પહેલી વાર એ જ પ્રીતનગરના સમ્મેલનમાં ૧૯૪૪માં મળ્યાં, જ્યાં આગલા વર્ષે ગાર્ગીની અમૃતા સાથે પહેલી મુલાકાત થયેલી. ૨૩ વર્ષના સાહિરનો શાયરી-પઠનનો અને ખાસ તો મોટે ભાગે ચૂપ રહેવાનો અંદાઝ પચ્ચીસ વર્ષીય અમૃતાના હૃદયને ભેદી ગયો. મુશાયરો મોડી રાતે પત્યો ત્યારે વરસાદ પડી રહ્યો હતો. અમૃતાએ લખ્યું છે, ‘પાછળ ફરીને એ રાતને જોઉં છું તો એવું લાગે છે જાણે પ્રારબ્ધે એ રાતે મારામાં પ્રેમનું બીજ રોપ્યું અને પછી એને વરસાદના પાણીથી સીંચ્યું.’ વરસાદને લીધે બીજા દિવસે સર્જકોને નજીકના લોપોકી ગામ સુધી લઈ જનાર વાહનની વ્યવસ્થા કેન્સલ કરવી પડી, કારણ કે રસ્તો બહુ લપસણો થઈ ગયેલો. સર્જકો ચાલવા લાગ્યા. ઉઘાડ થઈ ચૂક્યો હતો. સાહિર ચાલી રહ્યા હતા, નજીકમાં અમૃતા ચાલી રહ્યાં હતાં. અમૃતાએ લખ્યું છે, ‘એ વખતે મારું ધ્યાન ગયું કે સાહિરના પડછાયામાં હું આખેઆખી સમાઈ જતી હતી. ત્યારે હું નહોતી જાણતી કે જિંદગીનાં કેટલાં બધાં ધોમધખતાં વર્ષો મારે એ જ માણસના પડછાયામાં ચાલતાં ચાલતાં વિતાવવાનાં હતાં કે પછી થાકીને મારે મારી જ કવિતાના એ અક્ષરોના પડાછાયામાં બેસી જવાનું હતું, જે કવિતાઓ મેં સાહિર પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને લખી હતી, પણ જેના વિશે કોઈને કશું કહ્યું નહોતું.’

સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમ બન્નેની કૃતિઓમાં અને જીવનમાં પડછાયાની બહુ વાતો આવતી. સાહિરે પોતાના ઘરનું નામ રાખેલું, ‘પરછાઈયાં’ (સાહિરના અવસાનનાં કેટલાક વર્ષો બાદ એ ‘પરછાઈયાં’ની નીલામીના સમાચાર જાણીને અમૃતા પ્રીતમે ભારે બેચેની અનુભવેલી). અમૃતા પ્રીતમે પોતાની એક આત્મકથા ‘રસીદી ટિકટ’ લખ્યાના બે દાયકા બાદ ફરી એક આત્મકથા લખી, જેનું નામ હતું, ‘અક્ષરોં કે સાયે’. એ આત્મકથાના તમામ પ્રકરણનાં શીર્ષકોમાં સાયા-સાયે શબ્દો છે. જેમ કે, મૌત કે સાયે, આને વાલે વક્ત કા સાયા, હથિયારોં કે સાયે, કાલ-સર્પ કા સાયા, સપનોં કે સાયે, શકિત કણોં કે સાયે વગેરે વગેરે.

ખેર, સાહિરના પડછાયાના આલિંગનમાં પીગળેલાં અમૃતાનું સાહિર પ્રત્યેનું ઉત્કટ વળગણ કમસે કમ દોઢેક દાયકા સુધી તો ખાસ્સું સક્રિય રહ્યું. આ સંબંધ શરૂ થયો ત્યારે બન્ને લાહોરમાં રહેતાં હોવાથી થોડું થોડું મળવાનું ચાલતું રહ્યું. અમૃતા એ વખતે રેડિયો લાહોર પર સિતાર વગાડવાં જતાં અને સાહિર ત્યારે લાહોરમાં અદબ-એ-લતીફ નામની ઉર્દુ પત્રિકા સાથે સંકળાયેલા હતા. સાહિરને મન અમૃતા એક રૂપાળી રાજકુમારી હતી. અમૃતાના લગ્ન તો ૧૯૩૫માં (સાહિર સાથેની પ્રથમ મુલાકાતના નવ વર્ષ પહેલાં) થઈ ચૂકેલાં. સાસરું અમીર હતું. અમૃતા કવિતા લખતાં, સિતાર વગાડતાં, નૃત્ય શીખતાં, સાયકલ ચલાવતાં, ટેનિસ રમતાં, સાંજે શાનદાર ‘ફિટન’ ગાડીમાં લોરેન્સ બાગ તરફ ફરવા નીકળતાં. લાહોર આખું અમૃતાને મુગ્ધભાવે નિહાળતું.

ખુદ સાહિર પણ અમૃતાના મુગ્ધ પ્રેમીની જેમ ક્યારેક અમૃતાના ઘર પાસે જતા. અમૃતાએ લખ્યું છે, ‘ઘણા વર્ષો પછી સાહિરે પોતે મને કહેલું કે જ્યારે આપણે બન્ને લાહોરમાં રહેતાં ત્યારે હું તારા ઘર પાસે આવતો, ગલીના નાકે પાન લેતો, સિગારેટ પીતો અને હાથમાં સોડાનો ગ્લાસ લઈને કલાકો સુધી ઊભો ઊભો તારા ઘરની રસ્તા પર પડતી બારી સામે જોતો રહેતો.’

અલબત્ત, સાહિરને અમૃતાના ઘરમાં જવાની પણ છૂટ હતી જ અને અમૃતાના ઘરમાં બેસીને સિગારેટ પીવાની પણ છૂટ હતી. એ વાત બહુ જાણીતી છે કે સાહિરે અડધી પીધેલી સિગારેટના ઠૂંઠાં અમૃતા કબાટમાં સાચવી રાખતાં અને પછી એકાંતમાં સાહિરના હાથનો સ્પર્શ અનુભવવા એ સિગારેટના ઠૂંઠાં આંગળી વચ્ચે પકડતાં. પછી એને પેટાવીને કસ લેતાં. એ વખતે સિગારેટની ધુમ્રસેરમાં અમૃતાને સાહિરની આકૃતિ દેખાતી. આમ કરતાં કરતાં અમૃતા નિયમિત સિગારેટ પીવાં લાગ્યાં.

તો, સાહિરની સિગારેટો... આ થયો એક ‘સંપર્ક’. આ સિવાય, એક વાર અમૃતાએ સાહિરના ઓટોગ્રાફ માટે હથેળી ધરી ત્યારે સાહિરે પોતાનો અંગુઠા પર શાહી ચોપડીને અંગુઠાની છાપ અમૃતાની હથેળી પર અંકિત કરેલી. આ થયો બીજો સંપર્ક. અને આ સિવાય, એક વાર શરદી-ખાંસીથી પીડાતા સાહિરના ગળા-છાતી પર અમૃતાએ વિક્સ લગાડી આપેલું, એ થયો ત્રીજો સંપર્ક. આવા કેટલાક મર્યાદિત ગણ્યાગાંઠ્યા સંપર્કો સિવાય અમૃતા-સાહિર વાસ્તવમાં એકમેકથી બહુ દૂર જ રહ્યાં હતાં. અમૃતા હજુ લાહોરમાં હતાં ત્યારે જ સાહિર લાહોર છોડી ગયેલા અને ભાગલા પછી અમૃતા દિલ્હીમાં આવીને વસ્યાં ત્યાર પછી પણ સાહિરનું જીવન મુંબઈમાં જ વીત્યું. બન્ને વચ્ચે સાવ આછો સંપર્ક હતો. ક્યારેક વર્ષો સુધી મળવાનું ન થતું.

અને છતાં, બેય વિશે વાતો એટલી બધી ચગતી રહેતી કે અમૃતાએ દીકરા નવરાજને જન્મ આપ્યો ત્યારે અફવા એવી ફેલાઈ કે નવરાઝ સાહિરનો દીકરો છે. ખૂદ દીકરાએ મોટા થયા પછી અમૃતાને પૂછેલું કે શું હું સાહિરઅંકલનો દીકરો છું? ૧૯૬૦માં અમૃતા મંબઈ આવ્યાં ત્યારે લેખક રાજીન્દર સિંઘ બેદીએ અમૃતાને નવરાજના અસલી પિતા વિશે મોંઢામોંઢ પૂછી નાખેલું. જેનામાં સહેજ પણ સજ્જનતા બચી હોય એવો પુરુષ કોઈ નારીને આવો સવાલ ન પૂછી શકે, જ્યારે બેદીજી તો નખશીખ સજ્જન હતા, છતાં એ અમૃતાને આ સવાલ પૂછવાની હદે જઈ શક્યા એનું કારણ ખૂદ અમૃતા પોતે પણ હતાં. અમૃતાએ એવું સાંભળેલું કે બાળક પેટમાં હોય ત્યારે માતા નજીક જેનો ફોટો હોય કે જેના વિશે માતા ખૂબ વિચારે એના જેવું બાળક જન્મે. એટલે અમૃતાએ સગર્ભાવસ્થા દરમિયાન (પેટમાં પતિ પ્રીતમસિંઘ ક્વાત્રાનું બાળક હોવા છતાં) સાહિરના વિચારો કર્યા અને જ્યારે બાળક જન્મ્યું ત્યારે અમૃતાને ખાતરી થઈ ગઈ કે દીકરો સાહિર જેવો જ દેખાય છે. દીકરાનું ‘સાહિરપણું’ અમૃતાએ પોતે જાહેર કરેલું.

હૃદયભંગથી પાગલ થયેલા પેલા કાઠિયાવાડી ભત્રીજાએ જ્યારે આકાશ ફાટી કેમ નથી પડતું અને ધરતી રસાતાળ કેમ નથી જતી એવા સવાલો પૂછેલા ત્યારે શાહબુદ્દીન રાઠોડે એને એમ કહીને શાંત પાડેલો કે જો, આ બધું વિજ્ઞાનના નિયમો મુજબ થાય, ધરતીને તો આવું બધું રોજનું થ્યું... આ જ રીતે, સાહિરઘેલાં અમૃતા પ્રીતમને જો કોઈએ એવું કહ્યું હોત કે ‘બહેન, બાળકનો ચહેરો માતાની કલ્પનાથી નહીં, માતા-પિતાના ડીએનએથી રચાય... અને સિગારેટની તલબનું કારણ નિકોટિન હોય, સાહિર નહીં...’  તો પણ અમૃતાએ આ બધી વાત કાને ન ધરી હોત, કારણ કે અમૃતાના દિલો-દિમાગ પર સાહિરની દિવાનગી સવાર હતી.

એ દિવાનગી છેક ત્યારે હચમચી જ્યારે ૧૯૬૦ની આસપાસ, બ્લિટ્ઝના એક અંકમાં અમૃતાએ સાહિરના ફોટા સાથેની એક સ્ટોરી વાંચી, જેમાં સાહિર-સુધા મલ્હોત્રા વચ્ચેના કથિત પ્રણયસંબંધ વિશેની વાત હતી. અમૃતાએ લખ્યું છે, ‘એ વાંચીને મારા હાથ જાણે થીજી ગયા.’

(ક્રમશઃ)

*સૌજન્ય:* sandesh.com

---------------------------
*આજનો ઓડિયો:-*

ગીત: એ મેરી ઝોહરે ઝબી...
ફિલ્મ: "વક્ત"
સંગીત: રવિ શંકર શર્મા
ગીતકાર: સાહિર લુધિયાનવી
ગાયક: મન્ના ડે


[17 ગૃપ, 3000+ વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉  પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી.] 

    rajubhainoblog.blogspot.com

Comments

Popular posts from this blog

Chintan ni ple ~~Krushnakant Unadkat

Interesting लव स्टोरी-