Chintan ni ple ~~Krushnakant Unadkat
જીવવાનું શરૂ કરવા માટે પ્લાનિંગની કોઈ જરૂર નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું, ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું, તફાવત એ જ છે, તારા અને મારા વિશે, જાહિદ, વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. -અમૃત ઘાયલ સમય માણસના મનસૂબા ક્યારે ઉથલાવી દે એ કહેવાય નહીં. ઘડિયાળના સતત ફરતા કાંટા ઓચિંતા જ આપણને અડફેટે લઈ લે છે અને આપણે સમયને કોસવાનું શરૂ કરી દઈએ છીએ. અગાઉના સમયમાં દરેક ઘરની દીવાલ ઉપર તારીખિયાના દટ્ટા લટકતા રહેતા. રોજ એક પાનું ફાટતું. ઉંમરમાં એક દિવસ વધી જતો અને જિંદગીનો એક દિવસ ઘટી જતો. ડિજિટલ યુગમાં હવે તારીખ કોઈ અવાજ વગર બદલાઈ જાય છે. કેલેન્ડર જાણે ચૂપ થઈ ગયું છે અને સમય જાણે મૌન થઈ ગયો છે. આપણને સમયનું આ મૌન કેટલું સંભળાય છે? કેટલાંક મૌન ઘણું બધું કહી જતાં હોય છે. સમયનું મૌન સતત એવું કહેતું રહે છે કે, હું સરકી રહ્યો છું. તમે મને જીવી લો. તમને ખબર પણ ન પડે એમ હું ચાલ્યો જાઉં છું. મને રોકી લો, તમારા માટે, તમારા પોતાના માટે. એપોઇન્ટમેન્ટની ડાયરી એટલી ભરચક ન રાખો કે એ આઘાત આપી જાય. દરેક માણસે એક વિચાર કરવો જોઈએ...